વૈજ્ઞાનિક સંશોધન-અભ્યાસની સંસ્થા IISC
![]() |
| IISC |
આપણે ત્યાં વિજ્ઞાન
શિક્ષણ પ્રત્યે જોઈએ તેટલો લગાવ જોવા મળતો નથી, વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓ જાય છે ખરા.
પરંતુ તેમાં જઈને તેઓ કાં તો ઈજનેરી કાં તો તબીબી વિદ્યાશાખા તરફ વળી જાય છે.
ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરે તરફ જતા નથી. એટલે કે
વિજ્ઞાનની મૂળ શાખાઓમાં ટકી રહેતા નથી. તેના સંશોધનોમાં આગળ વધતા નથી.
આનું એક કારણ એ પણ છે
કે આપણે ત્યાં વિજ્ઞાન માટેનો જોઈએ તેવો અને તેટલો માહોલ નથી. સૌ પ્રથમ તો
વિજ્ઞાનના સારાં પાઠયપુસ્તકો, સારી પ્રયોગશાળાઓ, સારા વિજ્ઞાનશિક્ષકો અને સારાં વિજ્ઞાનના
સામયિકો હોવાં જરૂરી છે. સહેજ લાંબો વિચાર કરીએ અને વિચારીએ તો ગુજરાતીમાં વિજ્ઞાન
અંગેના કેટલાં સામયિકો હશે? અરે હિન્દી અને અંગ્રેજીમાં પણ તે શોધવાં પડે એવી પરિસ્થિતિ છે. હમણાં થોડા
સમય પર પ્રો.યશપાલનું અવસાન થયું. તેઓ તો અવકાશવિજ્ઞાની હતા અને અમદાવાદમાં તે
ઈસરોનાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં પણ હતા. તેમણે નિવૃત્તિના ગાળામાં વિજ્ઞાનના
પ્રસાર માટે સારું કામ કર્યું. દૂરદર્શન પર આપણી આસપાસની રોજબરોજની બાબતો અને તેની
પાછળ રહેલા વિજ્ઞાનનાં રહસ્યોને તેમણે પ્રગટ કરી આપ્યાં. આ કાર્યક્રમ તેઓ ઘણો
રસપ્રદ અને લોકભોગ્ય બનાવી શકેલા.
ભારતની પ્રજાએ જે
બંધારણ પોતે ઘડીને પોતાને અર્પણ કર્યું છે તેની કલમ-૫૧માં ભારતના નાગરિકો માટેની
ફરજો વર્ણવવામાં આવી છે. તેમાંની એક ફરજ એ છે કે નાગરિકોએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો.
આપણે ત્યાં
મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ માટે ઘણા બધા ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે.
જેમાંનું એક અમદાવાદમાં છે. એ જ રીતે ટેકનોલોજીના અભ્યાસ માટે ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ
ઓફ ટેકનોલોજી છે. જેમાંનું એક ગાંધીનગરમાં પણ છે. પરંતુ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ
માટે IIM
અને IIT ની કક્ષાનું સ્વતંત્ર અને અલગ એવું કોઈ
ઇન્સ્ટિટ્યૂટ છે ખરું એવો પ્રશ્ન પૂછીએ તો અનુસ્નાતક થયેલા વિજ્ઞાનના
વિદ્યાર્થીઓને પણ તેની ભાગ્યે જ જાણકારી હોય છે !
તેથી, ચાલો આપણે આવા ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ(IISC)ની માહિતી મેળવીએ, તે ઇતિહાસ જાણીએ. તેની સ્થાપનામાં કોણે કેવો
રસ લીધો અને કોણે કેવું યોગદાન આપ્યું તે વિશે જાણીએ. કોઈ તેજસ્વી વાચકને કદાચ યાદ
આવશે. વિશ્વની ટોચની સંસ્થાનોમાં સ્થાન પામે છે એવા સમાચારો વખતે અપવાદરૂપે ભારતની
એક માત્ર સંસ્થાનું નામ વિશ્વની ટોચની સંસ્થાઓમાં ઝળકે છે તે આ IISC છે. જે સંસ્થા સૌથી વધુ વર્ષ પહેલાં બેંગ્લોર
ખાતે સ્થપાઈ હતી.
આપણા ઉદ્યોગપતિ જમશેદજી
તાતા અને સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૮૯૩માં એક દરિયાઈ વહાણ પર મુસાફરીમાં ભેગા થઈ
ગયા. મુસાફરી જાપાનથી શિકાગો તરફની હતી. ત્યારે આ સંન્યાસી વિવેકાનંદે ભારતમાં વિજ્ઞાનની
સંશોધન સંસ્થા હોવી જોઈએ, એવી કંઈક વાત વાતચીતમાં કહેલી. તાતાને એ વાત યાદ રહી ગઈ અને તેમણે એ
દિશામાં પ્રવૃત્ત થઈને પરિણામ લાવી જ આપ્યું.
આપણે ગૌરવ લઈ શકીએ કે
પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા ત્યારથી ગુજરાતી તરીકે ઓળખાય છે. જમશેદજી તાતા
(૧૮૩૯-૧૯૦૪) એવા એક દેશભક્ત હતા. જેમણે કદી જાહેરમાં ભાષણો કર્યા નથી. તેમને મન
સંપત્તિ અને ઉદ્યોગ એ જીવનનું લક્ષ્ય ન હતાં. પરંતુ જીવનનું ધ્યેય અને રાષ્ટ્રની
પ્રગતિ માટેના તે માત્ર સાધનો હતાં. તેમનું ધ્યેય હતું દેશની સુપ્ત સાધન સામગ્રીને
જાગ્રત કરવી અને બીજા રાષ્ટ્રોમાં પોતાના દેશને ઊંચા આસને સ્થાપિત કરવો. પોતાને
માટે ધન કમાવવું અને બીજાઓને માટે સંપત્તિનું સર્જન કરવું એ બે તદ્દન જુદી વાતો
છે. જમશેદજી માનતા હતા કે “પ્રજાના નબળામાં નબળા કે સૌથી નિરાધાર લોકો મદદ કરવાથી કોઈ દેશ કે સમાજ
એટલો આગળ ન વધતો જેટલો સમાજના ઉત્તમમાં ઉત્તમ અને સૌથી વધુ શક્તિશાળી માણસોને
પ્રોત્સાહન આપવાથી મા વધી શકે છે. આ જ દેશની સાચી સેવા છે.''
૧૮૫૭માં અંગ્રેજો એ
મુંબઈ,
મદ્રાસ અને કલકત્તામાં
યુનિવર્સિટીઓ તો સ્થાપી હતી. પરંતુ વિજ્ઞાનની સંસ્થા તો તાતાને કારણે જ સ્થપાઈ. તે
જમાનામાં વિજ્ઞાનની યુનિવર્સિટી માટે તેમણે ત્રીસ લાખનું દાન આપેલું. જે રકમ આજે
કરોડોની ગણાય છે. મૈસુરના મહારાજાએ સંસ્થા માટે જમીન આપેલી. આ જમીન પણ ૩૭0 એકર જેટલી છે. અહીં વિજ્ઞાનનું ઉચ્ચ કક્ષાનું
શિક્ષણ અને સંશોધન હાથ ધરાય તેવી વ્યવસ્થામાંની તેમણે કલ્પના કરી હતી.
અંગ્રેજ વાઈસરોયના
સહકારમાં આ બધી પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન ૧૯૦૪માં જમશેદજીનું અવસાન થયું. તેમ
છતાં આ મોટી સંસ્થાએ ૧૯૦૯માં પોતાનો સંપૂર્ણ આકાર ધારણ કર્યો.
૧૯૪૨ માં કાઉન્સીલ ઓફ
સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચની સ્થાપના થઈ. ૧૯૫૦માં પહેલી IIT ખડકપુરમાં શરૂ થઈ. આ બધા પૂર્વે તાતાની સંસ્થા
શરૂ થયેલી.
નોબેલ પારિતોષિક વિજેતા
ડૉ. સી.બી.રામન, પ્રથમ
એન્જિનિયર સર વિશ્વેસરૈયા, ડૉ. હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈ જેવા બધા જ અગ્રગણ્ય વૈજ્ઞાનિકો આ
સંસ્થા સાથે સંકળાયેલા હતા.
આ સંસ્થામાં પ્રવેશ
મેળવવો થોડો અઘરો છે. પરંતુ પ્રવેશ મેળવ્યા પછી ભારત સરકારની પુષ્કળ સહાય
અભ્યાસી-સંશોધકને મળી રહે છે. વિજ્ઞાનનું સર્વોચ્ચ પારિતોષિક ભટનાગર પ્રાઈઝ ગણાય
છે. જેના સૌથી વધુ વિજેતાઓ આ સંસ્થાએ પેદા કર્યા છે. સંસ્થાએ ઘણાં સંશોધનો કર્યા
છે. તે થકી દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. સંસ્થાની વિગતો અને પ્રવેશ પ્રક્રિયા
વિશે વેબસાઈટ ઉપર પુષ્કળ માહિતી ઉપલબ્ધ છે.
લેખ પૂરો કરતાં પહેલાં
એક ચિતાજનક બાબત તરફ ધ્યાન દોરવાનું મન પણ થાય છે. વર્ષો પર દક્ષિણ ભારતની મુલાકાત
દરમિયાન ... આ સંસ્થાની મુલાકાત લેવાનું બનેલું. અઘતન અને નવીનતમ અભ્યાસક્રમો
ધરાવતી આ સંસ્થા મુક્તપણે અભ્યાસીઓ સંશોધન કરી શકે તેવી પુષ્કળ સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુલાકાતથી અમને ઘણી જાત માહિતી મળી અને ઘણો સંતોષ થયો. છેલ્લે મેં પૂછવું કે
સંસ્થાને કોઈ મુશ્કેલી ખરી ? ત્યારે ભારે હૈયે મારા, યજમાન અધ્યાપક જણાવ્યું કે ભારત સરકારના ખર્ચે
ઉચ્ચ કક્ષાનું સંશોધન શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેનો લાભ ભારતને ઓછો મળે છે. કારણ
કે મોટાભાગના સંશોધકો અન્યત્ર ઊંડી જાય છે !
જે વિદ્યાર્થીઓ
વૈજ્ઞાનિક સંશોધનમાં રસ અને રુચિ ધરાવે છે અને એ ક્ષેત્રે જ આગળ વધવા તત્પર છે
તેમણે જરૂર આ સંસ્થામાં પ્રવેશ માટે પોતાનાં સ્વપ્નો સાકાર કરવાં જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો