એથિકલ હેકર


Ethical hacker
Ethical hacker

આપણે ત્યાં 'હેકર' શબ્દનો ઉલ્લેખ થાય એ સાથે જ લોકોની નજર સામે કોઈ વિલન જેવા માણસનો ચહેરો તરવરવા માંડે છે. તેનું કારણ એ છે કે હેકિંગ શબ્દ આપણે ત્યાં નકારાત્મક રીતે જ લેવાય છે. હેકિંગ એટલે કોઈના સેલફોન, ટેબ્લેટ કે કોમ્પ્યુટર જેવાં ગેજેટ્સમાં ઘૂસીને માહિતી ચોરી લેવી અને પછી તેનો ઉપયોગ કરીને જેના ગેજેટમાં ઘૂસણખોરી કરી હોય તેને ચૂનો લગાડી દેવો એવી સામાન્ય માન્યતા છે. તેના કારણે હેકિંગ શબ્દ સાથે નકારાત્મકતા જોડાઈ ગઈ છે અને હેકિંગ કરનારી વ્યક્તિ ક્રિમિનલ જ હોય તેવું લોકો માને છે. પરિણામે આ ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકાય છે તે વિશે કોઈ વિચારતું જ નથી.

આ માન્યતા ખોટી છે ને વાસ્તવિકતા તો એ છે કે આજે હેકિંગના જાણકાર બનીને તમે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. આ કારકિર્દીમાં કશું ખોટું કે ગેરકાયદેસર કરવાનું નથી હોતું. પરંતુ તમે હેકર તરીકેની કારકિર્દી બનાવીને દેશ અને સમાજની સેવા કરી શકો છો. સરહદ પર દેશની રક્ષા માટે જાનની બાજી લગાવી દેતો જવાન કે પછી અપરાધીઓનો ખાતમો કરવા મથતો પોલીસ દેશ-સમાજને સ્વસ્થ રાખવામાં જેટલું યોગદાન આપે છે તેટલું જ યોગદાન તમે એક હેકર તરીકે પણ આપી શકો. આ વાત ઘણાંના ગળે નહીં ઉતરે પણ આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા સમજવા માટે તમારે હેકિંગ શું છે, હેકર શું છે અને હેકર તરીકેની કારકિર્દીમાં તમે શું શું કરી શકો તે સમજવું જરૂરી છે.

હેકિંગની સીધી અને સરળ વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય.

'કોઈ પણ વ્યક્તિના કમ્પ્યુટર નેટવર્ક (ઇન્ટરનેટ કે LAN દ્વારા) કે ફોન, ટેબ્લેટ, લેપટોપ જેવા ગેજેટ ડિવાઈસમાં ગેરકાયદેસર રીતે કરાતા પ્રવેશ અને તેનો ઉપયોગ એટલે હેકિંગ અને હેકિંગ કરનારી વ્યક્તિને હેકર કહેવાય.'

આ હેકિંગની વ્યાખ્યા છે અને તેમાં સ્પષ્ટપણે ગેરકાયદેસર શબ્દ વપરાયો છે તેથી હેકિંગ કરવું એ અપરાધ છે એવું લાગે. સામાન્ય સંજોગોમાં હેકિંગ અપરાધ જ ગણાય પણ અત્યારે જે રીતે સાયબર ક્રાઇમ વધ્યા છે અને આખી દુનિયા પર આતંકવાદનો ઓછાયો છે તેના હેકરને નીચેના બે પ્રકારમાં વહેંચવામાં આવે છે.

બ્લેક હેટ હેકરઃ

બ્લેક હેટ હેકરને ક્રેકર પણ કહેવામાં આવે છે. કોઈના કોમ્યુટર કે નેટવર્કમાં ઘૂસીને ખાનગી માહિતીની ચોરી, ઈમેઇલ હેકિંગ, બેંક ફ્રોડ, આતંકવાદી કૃત્યો વગેરે ગેરકાયદેસર કામોને પાર પાડવા માટે હેકિંગ કરનારને બ્લેક હેટ હેકર્સ કહેવાય છે. આ હેકર્સનો ઉદ્દેશ અપરાધ કરવાનો હોય છે તેથી આ પ્રકારનું હેકિંગ ગેરકાયદેસર છે. આ પ્રકારનું હેકિંગ કરનારા અપરાધી છે અને તેમને સા કરવાની જોગવાઈ કાયદામાં છે.

હાઇટ હેટ હેકરઃ

વ્હાઇટ હેટ હેકરને એથિકલ હેકર પણ કહેવાય છે. આ હેકર કોઈ અપરાધ કરવા માટે નહીં પણ અપરાધ રોકવા અને બીજાંને મદદ કરવા હેકિંગ કરે છે. સારા હેતુ માટે તથા કાયદાની પરવાનગીથી હેકિંગ કરે તેને એથિકલ હેકર કહેવાય છે. ધારો કે તમે તમારા ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા કે કોઈએ તમારું એકાઉન્ટ હેક કરી લીધું હોય એ સંજોગોમાં એથિકલ હેકર તમને મદદ કરે છે. આ હેકર તમારી પરવાનગીથી તમારા એકાઉન્ટને હેક કરીને તેને રીકવર કરી આપે છે. એ જ રીતે દેશની મોટી એજન્સીને આતંકવાદી પ્રવૃત્તિ વિશે માહિતી મળે છે. એજન્સી પાસે આ પ્રવૃત્તિ કરનારા લોકોના ફેસબુક એકાઉન્ટની વિગતો છે પણ તેમણે આતંકવાદીઓ સાથે શું વાત કરી તે ખબર નથી. એથિકલ હેકર તેમના એકાઉન્ટને હેક કરીને એ માહિતી મેળવી આપે છે અને એ રીતે આતંકવાદીઓના સફાયામાં મદદ કરે છે. ઘણી મોટી મોટી કંપનીઓ પોતાના ખાનગી ડેટા તથા માહિતીને સુરક્ષિત રાખવા માટે અને પોતાની સિકયુરિટી સિસ્ટમની ચકાસણી માટે એથિકલ હેકર રાખે છે.
આમ, પોતાના જ્ઞાન અને આવડતનો સારા માર્ગે ઉપયોગ કરીને હેકર તરીકે એક ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે. આ કારકિર્દી સમાજ અને દેશના હિતમાં છે.

એથિકલ હેકર બનવા શું કરશો?

એથિકલ હેકર બનવા માટે સૌથી પહેલા તો હેકિંગ શીખવું પડે. દરેક વ્યક્તિમાં હેકિંગ કરવાની આવડત આવી જાય એ જરૂરી નથી. હેકિંગ એ કોલેજમાં જઈને શીખવાની ચીજ નથી પણ તમારામાં ચોક્કસ ગુણ હોય તો તમે હેકર બની શકો. હેકિંગને લગતા કોર્સ ચાલે છે પણ એ તમને પાયાની ટેકનિકલ બાબતોથી વધારે કંઈ ના શીખવી શકે. એ પાયાની બાબતો શીખ્યા પછી તમારે તમારી પોતાની ટેનિક્સ વિકસાવવી પડે. સતત નવું નવું કરવું પડે તો જ તમે એથિકલ હેકર તરીકે સફળ સાબિત થઈ શકો. લોકોમાં એવી માન્યતા છે કે હેકિંગ શીખવા માટે અમુક ટ્રિક્સ હોય છે. આ ટ્રિક્સ આવડી જાય એટલે આપણે હેકિંગ કરી શકીએ. આ તદ્દન ખોટી માન્યતા છે અને એથિકલ હેકર બનવું હોય તો આ માન્યતા બદલવાથી શરૂઆત કરો.

બીજી એક માન્યતા પણ બદલો. ખાલી પાસવર્ડ ક્રેક કરતા શીખી લેવાથી હેકર ના બની શકાય. પાસવર્ડ ક્રેક કરવો એ બહુ નાની વાત છે ને તેના માટે સંખ્યાબંધ ઓનલાઈન સોફ્ટવેર છે. તમને કોમ્યુટર અને નેટવર્કનું પાયાનું જ્ઞાન હોય તો તેની મદદથી તમે ચપટીમાં પાસવર્ડ ક્રેક કરી શકો.

એથિકલ હેકર બનવા માટે બે પ્રકારની ક્ષમતા જરૂરી છે.

(૧) પાયા ગુણો (૨). ટેકનિકલ નોલેજ


સૌથી પહેલાં આપણે પાયાના ગુણોની વાત કરી લઈએ.

ધીરજ:

હેકિંગ શીખવામાં ખૂબ સમય લાગે એ જોતાં તમારામાં ધીરજ હોવી જોઈએ. ધીરજ હોય તો જ તમે હેકિંગમાં નવું નવું શીખી શકો. થોડાક સમયમાં કંટાળી જનારી વ્યક્તિ કદી હેકર ના બની શકે.

જિજ્ઞાસા:

હેકિંગ શીખવા માટે જિજ્ઞાસા જરૂરી છે. સતત નવા સવાલો પેદા થવા જોઈએ અને સતત અપડેટેડ રહેવું પડે. હેકિંગને લગતા નવા ટ્રેસ વિશે જાણવાની જિજ્ઞાસા ના હોય તો ના ચાલે.

ક્રિએટિવિટીઃ

ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા ના હોય તેવી વ્યક્તિ હેકર ના બની શકે. હેકર તરીકે તમારે નવા નવા રસ્તા અપનાવવા પડે કેમ કે દરેક કેસ અને દરેક કામ બીજા કરતાં અલગ જ હોય.

ર્થિક ડિફરન્ટ :

હેકર તરીકે તમારી પાસે જે પણ કામ આવે તે અલગ જ હોય. અપરાધીઓ ભેજાબાજ હોય છે ને તેમને પછાડવા માટે તમારે તેમના મગજમાં ઘૂસીને વિચારવું પડે. અલગ રીતે વિચારવાની ક્ષમતા એ વખતે કામ આવે.


કમિટમેન્ટ:

હેકર તરીકે કામ કરવું હોય તો તેમાં ખૂંપી જવું પડે. આ કામ બેંકની નોકરી જેવું નથી કે ચોક્કસ નિયમો પ્રમાણે ચાલ્યા કરે. તેના કારણે તમારે તેમાં રચ્યાપચ્યા રહેવું પડેને નવું નવું જાણતા રહેવું પડે.
નીતિમત્તા હેકિંગ શીખ્યા પછી તેનો ઉપયોગ આર્થિક ફાયદા માટે કરવાની લાલચ જાગી શકે. એ વખતે હેકરની નીતિમત્તાને અવળા માર્ગે જતાં રોકતી હોય છે. નીતિમત્તા ના હોય તો હેકર સમાજ-દેશને ઉપયોગી થવાના બદલે ગુનાખોરી તરફ વળી શકે.

હવે હેકર બનવા માટે જરૂરી ટેકનિકલ નોલેજની વાત કરીએ.

પ્રોગ્રામિંગઃ

હેકિંગ શીખવા માટે પ્રોગ્રામિંગ શીખવું એ પાયાની જરૂરિયાત છે. પ્રોગ્રામિંગ શીખવાથી એક સાયબર. ક્રિમિનલના મગજમાં ઘૂસવાનો રસ્તો ખૂલી જાય છે. પ્રોગ્રામ કેમ અને કેવી રીતે કામ કરે છે તેની ખબર હશે તો વેબસાઇટ કે સોફ્ટવેરની ખામીઓ કઈ કઈ છે તે જાણી શકાશે. પ્રોગ્રામિંગ આવડી જવાથી હેકિંગના ફિલ્ડમાં આધુનિક અને લેટેસ્ટ ટેક્નિક શીખી શકાય છે. ઘણાંને પ્રોગ્રામિંગ કંટળાજનક લાગતું હોય છે પણ તેના વિના ક્યારેય તમે એક સફળ હેકર નહિ બની શકો. પ્રોગ્રામિંગ આવડતું હોય તો જ તમે કેવી રીતે ક્રિમિનલ્સથી બચવું, કઈ રીતે એટેક કરવો, પોતાની સિસ્ટમ કે નેટવર્કને વાઇરસ વગેરેથી બચાવવી વગેરે શીખી શકશ. c,  c++, Perl, Python, Ruby સહિતની પ્રોગ્રામિંગ લેંગ્વજમાં પ્રોગ્રામ લખવાની ક્ષમતા જરૂરી છે.વેબ એપ્લિકેશન માટે કામ કરતાં લોકો માટે Microsoft,, .NET, PHP મહત્વનાં છે. એસેમ્બલી લેંગ્વજનું જ્ઞાન પણ જરૂરી છે.


ઓપરેટિંગ સિસ્ટમઃ

હેકર બનવા માટે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ્સનું જ્ઞાન જરૂરી છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, લિંનક્સનાં અલગ અલગ વર્ઝન્સ, મેક વગેરેનું જ્ઞાન હોવું જરૂરી છે કેમ કે દુનિયાનાં કોમ્યુટર એક જ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતાં નથી. ઈન્ટરનેટ પર રહેલા લાખો સર્વર્સ લિંકસ પર ચાલે છે અને એટલે લિંક્સ કઈ રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે. એપલ હાઈ-ફાઈ છે. પણ ક્રિમિનલ્સ તેનો ઉપયોગ વધારે કરે છે તેથી Mac ઓપરેટિંગ સિસ્ટમ વિષે પણ માહિતી હોવી જરૂરી છે.

નેટવર્ક ડિવાઈસિસ:

સ્વિચીઝ, રાઉટર્સ તથા ફાયરવોલ્સ સહિતની નેટવર્ક ડીવાઈસીસનું જ્ઞાન જરૂરી છે. હેકર કરનારને આ બાબતોનું જ્ઞાન હોય તો એ સરળતાથી હેકિંગ કરી શકે.

ટીસીપી-આઈપી પ્રોટોકલઃ

હેકર બનવા માટે ટીસીપી-આઈપી પ્રોટોકલ્સનું પાયાનું જ્ઞાન પણ જરૂરી છે. HTTP SMTP, ICMP વગેરે ટીસીપી-આઈપી પ્રોટોકોલની જાણકારી અને તેની પાયાની બાબતોનું જ્ઞાન ના હોય તો તમે હેકર ના બની શકો.

એથિકલ હેકર બનવા શૈક્ષણિક લાયકાતઃ

ભારતમાં એથિકલ હેકર બનવા માટે કેટલીક શૈક્ષણિક લાયકાત જરૂરી છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજયુએટની લાયકાત જરૂરી છે. આ ઉપરાંત એથિકલ હેકિંગમાં ડિપ્લોમા અથવા માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલો હોવો જોઈએ.

સર્ટિફાઇડ હેકિંગ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટર (ઈસી-કાઉન્સિલ),

સર્ટિફાઈડ એથિકલ હેકર (ઈસી-કાઉન્સિલ),

એસએએનનો જીઆઈએસી સર્ટિફાઈડ પેનિટ્રેશન ટેસ્ટર (જીપીઈએન),

જીઆઈએસી સર્ટિફાઇડ ઈર્ઝન એનાલિસ્ટ (જીસીઆઈએ) આ પ્રકારના કોર્સિસ છે.

આ કોર્સિસ ચલાવતી સંસ્થાઓની માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ઇન્ટરનેશનલ સ્તરે પણ આ પ્રકારના કોર્સ ચલાવતી સંસ્થાઓ છે. તેમના કોર્સ કરેલા હોય તો તમે ભારતની બહાર પણ એથિકલ હેકર તરીકેની કારકિર્દી બનાવી શકો. અલબત્ત સંસ્થાની કાયદેસરતા અને વિશ્વસનિયતા ચકાસીને એડમિશન લેવું. અન્યથા એથિકલ હેકિંગના નામે વિદ્યાર્થીઓને ખંખેરતી ઘણી સંસ્થાઓ કામ કરે જ છે. ફ્રી-લાન્સર તરીકે કામ કરવા માટે તમારો અનુભવ મહત્વનો છે.

એથિકલ હેકર તરીકેની કારકિર્દી :

એથિકલ હેકર તરીકે તમે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો અને સરકારી નોકરી પણ મેળવી શકો. મોટી મોટી કંપનીઓ પોતાનાં નેટવર્કની સુરક્ષા માટે એથિકલ હેકર્સ રાખે છે. ખાસ કરીને ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી)ના ક્ષેત્રમાં એથિકલ હેકર્સ માટે બહુ તક છે. આ ઉપરાંત દેશની સુરક્ષા સાથે સંકળાયેલી અને દેશમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતી જાળવતી એજન્સીઓ પણ એથિકલ હેકર્સને રાખે છે. સાયબર ક્રાઈમ વધી રહ્યા છે તેના કારણે હવે દરેક જગાએ પોલીસમાં સાયબર ક્રાઈમ સેલ હોય જ છે. આ સાયબર ક્રાઈમ સેલમાં કામ કરનારા પોલીસ હેકિંગના એક્સપર્ટ નથી હોતા. એ લોકો એથિકલ હેકર્સની મદદથી જ સાયબર ક્રાઈમ કરનારા લોકો સુધી પહોંચે છે. દેશની સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓમાં તો એથિકલ હેકર્સ માટે વધારે તક છે. આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ માફિયા, દેશમાં જ રહીને ભાંગફોડિયા પ્રવૃત્તિ કરતાં પરિબળો વગેરે ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરે છે. તેમના સુધી પહોંચવા માટે તેમનાં ઈ-મેલ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, સર્વર વગેરેમાં ઘૂસવું પડે. સિક્યોરિટી એજન્સીઓ આ કામ એથિકલ હેકર્સની મદદથી કરતી હોય છે. અને એ રીતે તેમના નાપાક ઇરાદાઓને પાર પાડે છે.

એથિકલ હેકર્સ કાયદો-વ્યવસ્થા માટે કામ કરતી એજન્સીઓ કે દેશની સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓ માટે કામ કરે તો એ એક સફળ કારકિર્દીની સાથે સાથે દેશની સેવા પણ કરી શકે. એ રીતે એથિકલ હેકર્સની કારકિર્દી માની છે. આ તો મહત્વનાં ક્ષેત્રોની વાત કરી પણ એ સિવાય બીજાં ઘણાં ક્ષેત્રોમાં એથિકલ હેકર્સ માટે તક છે. ભારતમાં તો એથિકલ હેકર્સ માટે વધારે તક છે કેમ કે આપણે ત્યાં વસતીના પ્રમાણમાં એથિકલ હેકર્સ બહુ ઓછા છે. નાસકોમના અંદાજ પ્રમાણે ભારતમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે અને આતંકવાદનો ખતરો પણ વધ્યો છે તેના કારણે દર વર્ષે ૭૭,000 એથિકલ હેકર્સની જરૂર છે. તેની સામે માત્ર ૧૫,૦00 હેકર્સ તૈયાર થાય છે. તેના કારણે એથિલ હેકર્સની સતત અછત રહે છે. આ સંજોગોમાં તમે એથિકલ હેકર હોતો તમારા માટે ઉજજવળ તક છે.

આર્થિક વળતર:

એથિકલ હેકર તરીકે તમે કેટલું કમાઈ શકો તેનો આધાર તમે ક્યાં ક્ષેત્રમાં છો તેના પર છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી)ના ક્ષેત્રમાં એથિકલ હેકર્સને બીજાં લોકો કરતાં વધારે પગાર મળે છે. આ ક્ષેત્રમાં શરૂઆતમાં માસિક ૩૦ હજાર રૂપિયાથી પગાર શરૂ થાય છે અને પછી કેટલો પગાર મળી શકે તેની કોઈ સીમા નથી. સિકયુરિટી એજન્સીઓ તથા પોલીસ સાથે કામ કરો તો પણ શરૂઆતમાં માસિક ૨૫ હજાર રૂપિયાની આસપાસ પગાર મળે. આ એજન્સીઓ સાથે તમે ફ્રીલાન્સ તરીકે પણ કામ કરી શકો. એજન્સીઓ કેસ પ્રમાણે વળતર ચૂકવતી હોય છે. મધ્યમ કક્ષાના એથિકલ હેકર ફ્રીલાન્સ કામ કરીને મહિને એક લાખથી દોઢ લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકતા હોય છે.

મહત્ત્વની વાતઃ

એથિકલ હેકર બનવા માગનારે સતત પોતાના જ્ઞાનને ધાર કાઢ્યા કરવી પડે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર સતત બદલાતું રહે છે ને તેનો ઉપયોગ કરીને અપરાધ કરનારા લોકોનાં દિમાગ ખેપાની હોય છે. એથિકલ હેકરે તેમના કરતાં એક કદમ આગળ રહેવું પડે. સતત વાંચન, નવા ટ્રેન્ડની જાણકારી અને પોતાની રીતે સતત નવું નવું કરવાની ધગશ તમારામાં હોય તો તમે સફળ એથિકલ હેકર બનીને દેશ અને સમાજની સેવા કરી શકો. સાથે સાથે સિદ્ધાંતો અને નીતિમત્તાને પણ જાળવવી પડે. જરાક લાલચમાં લપટાયા તો તમે વાઇટ હેટ હેકરમાંથી બ્લેક હેટ હેકર બની જશો.

Post a Comment

વધુ નવું વધુ જૂનું