ખેલકૂદ અને સંગીત ક્ષેત્રાં કારકિર્દી 

Sports and music field careers
Sports and music field careers

જે તમારામાં રમત-ગમત કે સંગીત પ્રત્યે અત્યંત રુચિ હોય અને તેના માટે સમય અને શક્તિનો ભોગ આપવા તૈયાર હોય તો આ ક્ષેત્રમાં પણ ઉજ્જવળ કારકિર્દીની સંભાવનાઓ છે. એક સમય હતો – જ્યારે એમ કહેવાતું કે ખેલકૂદ-શરીર અને સ્વાથ્ય માટે બરાબર છે, પરંતુ તેનાથી રોજી-રોટી નહીં મળે પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. રમત - ગમત અને સંગીત એ એવા ક્ષેત્ર છે જેમાં શ્રેષ્ઠ કારકિર્દીની તકો પડેલી છે.

રમતગમત ખેલકૂદ ક્ષેત્રે કારકિર્દી       

રમતગમત કે ખેલકૂદના ક્ષેત્રમાં તમે ખેલાડી જ બનો અને તેમાં તમારી કારકિર્દી બનાવો તે જરૂરી નથી. ખેલાડી તરીકે કારકિર્દીની અનેક સંભાવનાઓ છે છતાં આ ક્ષેત્રમાં ખેલાડી ઉપરાંત તેને લગતા કારકિર્દીના અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જેમાં સોર્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મેડિસિન, સ્પોર્ટ્સ ફોટોગ્રાફર, સ્પોર્ટ્સ મેડિસિન, સ્પોર્ટ્સ જર્નાલિઝમ, એડવેન્ચર સ્પોર્ટ્સ, ફિટનેસ અને હેલ્થ ક્લિનિક વગેરે જેવા રમતગમતને લગતાં અન્ય ક્ષેત્રોમાં પણ આકર્ષણ વળતર ક્ષેત્રે સારી તકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત સારો ખેલાડી બનનાર વ્યક્તિને તેના અનુભવને આધારે રમતગમતને લગતા ક્ષેત્રો જેવા કે સ્પોર્ટ્સ જનલિઝમ, રમતગમતના સાધનોના ઉત્પાદક કે વેચાણ અને કોમેન્ટેટર તરીકે પણ આકર્ષક ઓફરો મળી શકે છે.

જો કે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તમે શારીરિક રીતે સશક્ત હોય, અને રમતગમત પ્રત્યે તમારામાં ઉત્સાહ અને ઊર્જા હોય તે ખૂબ જ જરૂરી છે. જો તમે આ ક્ષેત્રમાં કોચ, ટ્રેનર કે મેનેજર બનવા ઇચ્છતા હો તો ધોરણ ૧૨ પછી શારીરિક શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી મેળવવી ખૂબ જ જરૂરી છે.

પાત્રતાના ધોરણો:

આપણા દેશમાં રમતગમત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી છે. રમત-ગમત ક્ષેત્રે વિવિધ યોજનાઓ અમલી બનાવવા માટે સાંઈ દ્વારા રાજ્ય કક્ષાએ પણતેની શાખાઓ ખોલવામાં આવી છે.

વિવિધ રમત-ગમતમાં સરકારી ખર્ચે તાલીમ મેળવવા માટે કે સરકારી નાણાકીય સહાય પ્રાપ્ત કરવા માટે ધોરણ-૧૨ પાસ હોવું જરૂરી છે. દેશમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાને બહાર લાવવા રાજય કક્ષાએ અન્ય ખેલ મંડળો, પરિષદો વગેરે પણ સક્રિય છે.

વ્યક્તિગત ક્ષમતા

આધુનિક ખેલકૂદમાં ખેલાડીમાં અત્યંત શારીરિક શક્તિ, સુસજ્જતા અને સ્ટેમીના હોય તે ખૂબ જ જરૂરી છે. આથી કોઈ પણ ખેલાડી- શારીરિક રીતે સુજ્જ હોવા સાથે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર હોય તે ખૂબ જ જરૂરી છે. રમતગમતના કૌશલ્ય ઉપરાંત તેનામાં ધીરજ, ખેલદિલી અને પોતાની રમત પ્રત્યે સમર્પણની ભાવના હોય તે પણ ખૂબ જ જરૂરી છે.

કારકિર્દીની તકો અને નોકરીના વિકલ્પો

ખેલાડી-જયારે કોઈ ખેલાડી કોઈ ચોક્કસ રમત રમાવાનું શરૂ કરે છે, ત્યારે તેનું ધ્યેય તે રમતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી બનવાનું હોવું જોઈએ. આ માટે નિષ્ણાંત કોચનું માર્ગદર્શન પ્રશિક્ષણ ઉપરાંત નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પોષક આહાર પણ ખૂબ જ જરૂરી છે. જે ખેલાડી પોતાની રમતમાં શ્રેષ્ઠ પુરવાર થાય છે અને દેશનું નામ રોશન કરે છે તેવા ખેલાડીને દેશના લોકોનું પ્રોત્સાહન અને ટેકો મળે છે. રમતગમતમાં મળેલ સફળતા કરતાં સફળ ખેલાડીને રમતગમતમાંથી નિવૃત્તિ બાદ પણ કારકિર્દીના અનેક વિકલ્પો મળી રહે છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ રમતગમતને લગતી સંસ્થાઓમાં હોદ્દો મળવાનો પણ સમાવેશ થાય છે.

કોચિંગ-પ્રશિક્ષણઃ

શાળાઓમાં અને માતા -પિતા દ્વારા હવે બાળકોમાં શારીરિક કસરતો અને રમતગમત પ્રત્યે જાગૃતિ વધતાં પ્રશિક્ષકોની માંગમાં દિવસો-દિવસ વધારો થઈ રહ્યો છે. ઘણાં માતાપિતા પોતાના બાળકને શાળામાં શિક્ષણની સાથે જ ઘોડેસવારી, સ્વિમિંગ, યોગ વગેરેની તાલીમ મળે તેવો આગ્રહ રાખતા હોય છે. આમ આ ક્ષેત્રે કોચની ડિમાન્ડમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. શાળાઓ ઉપરાંત, ખાનગી ક્લબો, સંસ્થાઓ વગેરે પણ પોતાના સભ્યો અને બાળકો માટે રમત ગમત અને પ્રશિક્ષકોની સેવાઓ મેળવે છે. હવેના સમયમાં સારા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે વ્યક્તિગત કોચની પણ સેવા મેળવવામાં આવે છે. કોચ દ્વારા ખેલાડીને તાલીમ માટે તેની રમતગમત, શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતાને વધુ સજ્જ બનાવવા માટે યૂહરચના બનાવી તેના ઉપર કામ કરવાનું હોય છે. જો કોઈ ખેલાડી તેની રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે તો તેના પ્રશિક્ષકને પણ વધુ પ્રસિદ્ધિ મળે છે.

સ્પોર્ટ્સ કોમેન્ટેટર-સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ

દરેક અખબાર, સામયિકને પોતાના ખાસ સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ હોય છે. એ જ રીતે ટીવી સમાચાર ચેનલોને પણ સ્પોર્ટ્સ, જર્નાલિસ્ટ અને એન્કરની જરૂર પડે છે. જયારે સ્પોર્ટ્સ ચેનલમાં રમતનો જીવંત અહેવાલ આપવા કોમેન્ટેટર પણ જરૂરી બને છે.

રેડિયો અને ટીવી સ્પોર્ટ્સ ચેનલોમાં કોમેન્ટેટર તરીકે ઘણા પત્રકારોએ કારકિર્દી બનાવી છે તો હવે ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ કોમેન્ટેટર તરીકે લોકપ્રિય સાબિત થઈ રહ્યા છે.

સ્પોર્ટ્સ ફોટોગ્રાફર

ફોટોગ્રાફીકે ફોટો જર્નાલિઝમ એક ખાસ કલા છે, પરંતુ સ્પોર્ટ્સ ફોટોગ્રાફી માટે તમારી પાસે ફોટોગ્રાફી ઉપરાંત રમતગમત અને પત્રકારત્વનું જ્ઞાન હોવું પણ ખૂબ જરૂરી બની જાય છે.

સ્પોર્ટ્સ મેડિસિન-કન્સલ્ટન્ટ

રમતગમતમાં હવે સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠ ફિટનેસનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આવા કારણોસર ખેલાડીને તેની રમત, સમય અને દિનચર્યાને આધારે આહાર અને દવા અંગે સલાહ આપી શકે તેવા નિષ્ણાતની જરૂર પડે છે. આવી નિષ્ણાત વ્યક્તિ ઈજામાંથી બહાર આવવા માટે તેમજ રમત દરમિયાન થતી શારીરિક સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

અમ્પાયર-રેફરી

આ અત્યંત મુશ્કેલ કાર્ય છે અને તેના માટે ક્ષમતાઓની સાથે જે તે રમતના તમામ નીતિ-નિયમોનું ઝીણવટભર્યું જ્ઞાન હોય તે ખૂબ જરૂરી છે. તેમણે રમતમાં પોતાનો નિર્ણય આપવાની સાથે રમતનું મેદાન-તેના સાધનો, મેદાન વગેરે નીતિનિયમો મુજબ છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની હોય છે.

રમત ગમતના સાધનોનું ઉત્પાદન-વેચાણ

અવનવા પ્રયોગો અને અનુભવોએ રમતગમતમાં માલસામાનના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે. રમતગમતમાં સાધનોમાં થોડા ફેરફારોથી ખેલાડીના દેખાવ કે રમતના ધોરણમાં અનેક ગણી વૃદ્ધિ થતી હોય છે. આવા સમયે તેનું મહત્વ વધી જાય છે.

ખાનગી ક્ષેત્રમાં તકો

ખેલકૂદ અને શારીરિક સુસજ્જતાની વધતી લોકપ્રિયતાને પગલે મોટા શહેરોમાં ક્લબ હાઉસ અને જિમ્નેશિયમ દ્વારા દરેક રમત માટે ખાસ કોચ – નિષ્ણાત વ્યક્તિને રાખવામાં આવે છે. ઘણી સોસાયટી દ્વારા પણ આ રીતે કોચ હાયર કરવામાં આવે છે.

રમતગમતની કારકિર્દી માટે તાલીમ કોર્સ ચલાવતી સંસ્થાઓ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

• દિલ્હી અને રાજ્યોમાં તેની કચેરી અને કેન્દ્રો

• લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિકલ એજયુકેશન થિરુવન્થપુરમુ, કેરલ

• લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન-ગ્વાલિયર, મધ્યપ્રદેશ
• ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સાયન્સ - દિલ્હી યુનિવર્સિટી - નવી દિલ્હી

• મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ - શાસ્ત્રીભવન, નવી દિલ્હી


રમતગમત ક્ષેત્રે કારકિર્દીના ફાયદા અને ગેરફાયદા

• ફાયદાઓ :

સ્પોર્ટ્સમાં કારકિર્દીના અનેક ફાયદાઓ છે. રાષ્ટ્રીય કક્ષાએ રમવાથી માન-સન્માન અને પ્રસિદ્ધિ મળે છે.

• લોકો અને સાથી ખેલાડીઓ દ્વારા સન્માન આપવામાં આવે છે.

સરકારી કે જાહેર ક્ષેત્રમાં નોકરી કરવાથી સારું વેતન મળે છે. ખેલાડી તરીકે પ્રસિદ્ધ થવાથી વધારાની આવક પણ મળે છે.


ગેરફાયદાઓઃ

રમતગમત એ જોખમથી ભરપૂર હોય છે. તેમાં સમગ્ર કારકિર્દી દરમિયાન સખત મહેનત અને કસરત કરવી

શારીરિક સજજતા માગી લેતીટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી જેવી રમતમાં કારકિર્દી ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે.

સંગીત ક્ષેત્રે કારકિર્દીની તકોઃ

સંગીતમાં રસ ધરાવતી વ્યક્તિ આ ક્ષેત્રમાં સંગીત શિક્ષક તરીકે, ગાયક અથવા વાજિંત્ર વગાડનાર સંગીતકાર તરીકે , સાઉન્ડ રેકોર્ડિંગ, એડિટિંગ, ડબિંગ, મ્યુઝિક સોફટવેર, ડેવલપમેન્ટ, મ્યુઝિક પ્રોડક્શન, રેડિયો જોકી વગેરે ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે છે.

સંગીત શિક્ષક:

હવે મોટાભાગની શાળાઓમાં સંગીત શિક્ષકની જગ્યા હોય છે. એ જ રીતે સંગીત શિખવાતી શાળા અને વિદ્યાલયમાં સંગીતના ઉચ્ચ શિક્ષણ માટે પણ સારા સંગીત શિક્ષકોની જરૂર પડે છે. ટેલિવિઝન ઉપર વિવિધ સંગીત કાર્યક્રમોને પગલે હવે લોકમાં ખાસ કરીને બાળકોને સંગીત શિક્ષણ તરફ વાળવા માટે પ્રચલન શરૂ થયું છે. આવા સંગીત કલાસમાં પણ સંગીત શિખવતા શિક્ષકોની જરૂર પડે છે. સંગીતનું શિક્ષણ દરરોજ ૨-૩ કલાક અથવા સપ્તાહમાં બે - ત્રણ દિવસ માટે અપાતું હોવાથી સંગીતના નિષ્ણાત વ્યક્તિઓ પાર્ટટાઇમ તરીકે પણ સંગીત શિક્ષકનું કાર્ય કરી શકે છે.

પ્રોડકશન ડાયરેક્શનઃ

ગાયક કલાકાર પછીની આ શ્રેષ્ઠ કારકિર્દી છે. ફિલ્મ, ટેલિવિઝન અથવા ખાનગી કાર્યક્રમોમાં થતા નિર્માણ કાર્યોમાં સંગીત નિર્દેશકની જરૂર ઊભી થાય છે. આ કાર્ય મહત્વપૂર્ણ હોવાની સાથે તેમાં સ્પર્ધા પણ ખૂબ જોવા મળે છે.

રેડિયો જોકી:
.        
ખાસ કરીને ખાનગી એફએમ રેડિયો ચેનલોમાં રેડિયો જોકીની કારકિર્દી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સીધા સંગીત સાથે નહીં સંકળાયેલ હોવા છતાં આ ક્ષેત્રમાં સારો અવાજ અને પ્રસ્તુતિ કલાને આધારે સફળતા મળી શકે છે. સંગીત જાણતા લોકો આ ક્ષેત્રમાં શ્રોતાઓને વધુ મનોરંજન પૂરું પાડી શકે છે.

મ્યુઝિક થેરપીઃ

સંગીતના ક્ષેત્રમાં આને બિનપરંપરાગત કારકિર્દીનો વિકલ્પ ગણી શકાય. નિષ્ણાતોના મતે માણસનું શરીર અને મન-સંગીત ઉપર નિશ્ચિત પ્રકારનો પ્રતિભાવ આપે છે. શારીરિક દુઃખાવો માનસિક તાણ કે ડિપ્રેશન જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં સંગીત થેરપી ખૂબ જ ઉપયોગી છે.

સંગીતની કારકિર્દીમાં વળતરઃ

સંગીતનાં ક્ષેત્રે વ્યક્તિના કલાકૌશલ્યની સાથે તેની તાલીમ અને ટેકનિકલ ક્ષમતા પણ દર્શાવે છે. સંગીતના વ્યવસાયમાં પ્રોફેશનલ કારકિર્દી બનાવનારાઓ માટે વળતરની કોઈ મર્યાદા નથી અથવા સંગીતકારોને તેમના કામ અને નામ પ્રમાણે કાર્યક્રમ દીઠ અને કોન્ટેક્ટ મુજબ વળતર ચૂકવવામાં આવે છે. સંગીત શિક્ષક તરીકેની કારકિર્દીમાં સરકારના પગાર ધોરણો મુજબ સંગીત શિક્ષકોને પગાર કે વળતર મળે છે. ખાનગી ધોરણે શિખવતાં શિક્ષકો વિદ્યાર્થી પાસેથી દર મહિને ૩૦ હજાર જેટલું વળતર મેળવતા હોય છે. સંગીતમાં ફિલ્મ, ટીવી, એડિટિંગ, ડબિંગ કેપ્રોડક્શન કાર્ય સાથે સંકળાયેલા સંગીતકારો પણ આકર્ષક વળતર મેળવતા હોય છે.

સંગીતનું શિક્ષણ આપતી સંસ્થાઓઃ

દેશમાં અનેક યુનિવર્સિટીઓ અને કોલેજો સંગીતનું શિક્ષણ આપવામાં અગ્રેસર છે

• બેંગ્લોર યુનિવર્સિટી

• બેંગાલ મ્યુઝિક કોલેજ

• યુનિવર્સિટી ઓફ કોલકાતા

• ભારતીય સંગીત મહાવિદ્યાલય ગ્વાલિયર

• મ્યુઝિક કોલેજ-ઈન્દોર

• રામા કોલેજ-યુનિવર્સિટી ઓફ દિલ્હી

• અન્ના મલાઈ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ

કોરસ્પોન્ડન્સ એજયુકેશન-મદ્રાસ યુનિવર્સિટી

ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં સંગીત શિક્ષણ મળે છે. રાજકોટની અર્જુનલાલ કોલેજ ઓફ જનાલિઝમ અને પરફોર્મિંગ આર્ટ્સ પણ સંગીત શિક્ષણમાં અગ્રેસર છે. સંગીતની સ્વાયત્ત સંસ્થાઓ પણ સંગીતક્ષેત્રે વિવિધ સ્તરના અભ્યાસક્રમો ચલાવે છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું