આર્ટ્સ - કલામાં કારકિર્દી 

ARTS
ARTS


કલા સ્વયંની-સૃષ્ટિની સમૃદ્ધિનો અહેસાસ આપે છે. વિજ્ઞાન બુદ્ધિ-તર્ક-વિચક્ષણતાને મૂલ્ય આપે છે. કલાસૌંદર્ય-સમજ-સંવેદનાને મૂલ્ય બક્ષે છે. આમ બંને ક્ષેત્રોનું માનવજીવન અને સમાજમાં આગવું સ્થાન છે. વાસ્તવમાં કલાનું આનું ક્ષેત્રપણ ઘણું વ્યાપક છે અને હવે પછીના સમયમાં ઉજ્જવળ કારકિર્દીની સંભાવનાઓથી ભરેલું છે.

વિનયન વિદ્યાશાખામાં મુખ્યત્વે બે જૂથો હોય છે. 
૧. ભાષા અને 
૨. સમાજવિજ્ઞાન જેના વિવિધ વિષયો-શાખાઓ હોય છે.

૧. પ્યોર આર્ટ્સ અને પર્ફોમિંગ આર્ટ્સ

એવી કેટલીક મૂળભૂત અને પ્રતિષ્ઠિત કલાના ક્ષેત્રો જેવા કે સંગીત, નૃત્ય, શિલ્પ, પેઇન્ટિંગ વગેરે વિષયો. આમાંની કોઇ પણ પરંપરાગત અને વિશિષ્ટ કલાના ક્ષેત્રમાં ઊંડા ઉતરીને કલાકાર તરીકેની કારકિર્દી ઘડી શકાય છે.

૨. મેનેજમેન્ટ અને વ્યવસ્થાપન

વ્યવસ્થાપનની સ્કીલ ધરાવતા વિદ્યાર્થીઓ બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) બી.એમ.એસ. (બેચરલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ), અર્થશાસ્ત્ર, ઇવેન્ટ મેનેજમેન્ટ, બી.સી.એ. જેવા વિષયો વિનયનના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.

૩. ક્રિએટિવ અને ચેલેન્જિંગ ક્ષેત્રો

પડકારરૂપ અને સર્જનાત્મક કામગીરી જેના વ્યક્તિત્વને અનુકૂળ હોય તેને માટે બહુ ઊંચું વળતર આપતા અને પ્રતિષ્ઠા આપતા ક્ષેત્રો ઉપલબ્ધ છે. જેવા કે જર્નાલિઝમ- માસ કોમ્યુનિકેશન- એનિમેશન એન્ડ મલ્ટીમીડિયા, ફેશન ડિઝાઇનિંગ, એનિમેશન કોર્સિસ, ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ વગેરે.

૪.એકેડેમિક- શૈક્ષણિક ક્ષેત્ર

સતત જીવંતતાનો અનુભવ આપતું, સ્વયંના વિકાસની તક અને રિસર્ચ (સંશોધન)ની તક આપતું આ ક્ષેત્ર એક ઉમદા અને સન્માનનીય વ્યવસાય ગણાય છે. સારા શિક્ષકની માગ અને સન્માન હંમેશાં રહેવાના છે. બી.એડ., એલિમેન્ટ્રી એજયુકેશન, ફિઝિકલ એજયુકેશન ડિગ્રી સાથે શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી એ એક ઉત્કૃષ્ટ પસંદગી છે.

૫. સામાજિક અને સેવાકીય ક્ષેત્રો

સમાજ અને સમૂહ વચ્ચે જીવવું અને કામ કરવું જેને પસંદ હોય તેને માટે વિનયન (કલા)એ ઉત્તમ વિદ્યાશાખા છે જેનો અભ્યાસ તેને આ ક્ષેત્ર માટે જાતને તૈયાર કરવાની શ્રેષ્ઠ તક આપે છે. બી.એસ.ડબલ્યુ (બેચલ ઓફ સોશિયલ વેલફે૨) એમ.એસ ડબલ્યુ, પોલિટીકસ સાયન્સ, સાયકોલોજી, સોશિયોલોજી, આર્કિયોલોજી, રૂરલ ડેવલપમેન્ટ, કાયદો અને વ્યવસ્થા જેવા સંખ્યાબંધ ક્ષેત્રો વિષયો ઉપલબ્ધ છે.

ઉપર્યુક્ત ક્ષેત્રો પૈકી કોઇક એકમાં તો કોઇ પણ વિદ્યાર્થીને કુદરતી રીતે રસ પડે જ, જેમાં તે કારકિર્દી ઘડી શકે. હવે આપણે આર્ટ્સ (વિનયન)નો અભ્યાસ કરી ડીગ્રી મેળવવાના વિશિષ્ટ ફાયદા અને ભાવિ સંભાવનાઓ તરફ એક નજર કરીએ.

૧. વિદ્યાર્થીને પોતાની રસ-રુચિ અને પસંદગી પ્રમાણે અભ્યાસ કરવાની સૌથી વધુ તક આ ક્ષેત્રમાં છે. વિષય વૈવિધ્ય અને વિકલ્પો ઘણા મળે છે. વિનયનના કોઇ પણ વિષયનો અભ્યાસ રસપ્રદ હોય છે. તબીબી કે ઇજનેરી જેવો લાંબો, બોજારૂપ, બીબાઢાળ, કંટાળાજનક કે અધરો નથી. પરંતુ મહદ્અંશે સરળ અનેરસપૂર્ણ હોય છે.

૨. વિનયન વિદ્યાશાખાના વર્તમાન સમયમાં જો કોઇ સૌથી મોટું એડવાન્ટેજ હોય તો તે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવામાં તેનું વ્યુહાત્મક મહત્વ. યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. ગૌણ સેવાઓ, પોલીસ, આર્મી, રેલવે, મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે જાહેર સેવાઓ કે સરકારી નોકરી મેળવવાનું સ્પષ્ટ લક્ષ હોય તો આર્ટ્સના વિષયો સૌથી વધુ ઉપયોગી છે તથા આર્ટ્સના અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો પૂરતો સમય મળી રહે છે. વિજ્ઞાન કે વાણિજયની ડિગ્રી ધરાવતા હોવા છતાં આર્ટ્સના વિષય સાથે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારની સંખ્યા બહુ મોટી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માત્ર ડિગ્રીની જ મૂળભૂત લાયકાત માગવામાં આવે છે અને એક પેપર ભાષાનું હોય છે જે વિનયનનો વિદ્યાર્થી ફરજિયાત રીતે કોઇ પણ એક ભાષા ભણ્યો હોય છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ સ્ટડીઝને મહત્વ અપાય છે. જે વિનયનનો વિદ્યાર્થી સમાજ વિજ્ઞાનના વિષયમાં ભણ્યો હોય છે.

૩. તમારા જીવનમાં કોઇ પેશન હોય, લગન હોય, ઊંડો શોખ હોય, તો આર્ટ્સના અભ્યાસ સાથે તેનો તાલમેલ થઇ શકે છે અને અભ્યાસની સાથે સાથે તેને વિકસાવી શકાય છે. દા.ત. કોઇ રમત (સ્પોટ્સ, ફોટોગ્રાફી, સંગીત, નાટ્ય, માઉન્ટેનિયરિંગ, હાઇકીંગ, ટ્રેકિંગ કે કોઇ સામાજિક પ્રવૃત્તિઓ.

૪. આર્ટ્સના કોઈ પણ ક્ષેત્રમાં જો તમે સમજદારી પૂર્વક અને પસંદગી પૂર્વક કેરિયર પસંદ કરો તે અન્ય ક્ષેત્રોની જેમ એકધારુ (રૂટીન), કંટાળા જનક નથી હોતું. કાઇ શિક્ષક, કોઇ ચિત્રકાર, પત્રકાર કે રમતવીરના જીવનમાં નવીનતા અને જીવંતતા રહે છે. જીવનનિર્વાહનું કામ તમારા માટે આનંદ-ખૂશીનું માધ્યમ પણ હોય તે બહુ મોટું સદભાગ્ય છે.

૫.ધોરણ ૧૨ માં ટકા ઓછા હોય તો પણ યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરી સારી કારકિર્દી માટે સંખ્યાબંધ વિકલ્યો આર્ટ્સના અભ્યાસમાં રહે છે. ડિગ્રી પછી માસ્ટર ડિગ્રી અને પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કારકિર્દી અને પ્રતિષ્ઠિત પદ માટેની તકો ખુલ્લી રહે છે. તેવી જ રીતે કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ સરળતા રહે છે. પોતાના વતનમાં કુટુંબ સાથે રહીને ભણવું પણ શક્ય બને છે.
વિનિયન-આર્સના ક્ષેત્રમાં સંખ્યાબંધ વિકલ્પો કારકિર્દી ઘડવા માટે ખૂલ્લા છે. તે પૈકી કેટલાક મહત્વપૂર્ણ અને આગામી સમયમાં વધુ ઉપયોગી બને તેવા કેટલાક અભ્યાસક્રમોની એક ઝલક જોઇ લઇએ.

ફાઇન આર્ટ્સ કલાના મૂળભૂત અને સનાતન મહત્વ ધરાવતા સ્વરૂપો સંગીત, નૃત્ય, શિલ્પ, પેઈન્ટિંગ જેવા વિષયોમાં અભ્યાસ કરવો સ્વયં એક આનંદ અને ઊંડા સંતોષનો અનુભવ આપે છે. આ વિષયમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને કલાકાર તરીકેનું ઘડતર આ અભ્યાસક્રમમાં થાય છે. અમદાવાદની સી.એન. ફાઇન આર્ટ્સ કોલેજ નામાંકિત છે. કલાનું શિક્ષણ અને સાધના કલાકારને સમાજમાં વિશિષ્ટ પ્રતિષ્ઠા જીવનમાં સર્જનશીલતાનો અહેસાસ અને સારું વળતર આપે છે.

ભાષા સાથે સ્નાતક-અનુસ્નાતક: હાલના સમયમાં પ્રાથમિકથી લઇને હાયર એજયુકેશન સુધી અંગ્રેજી ભાષાના શિક્ષક- પ્રાધ્યાપકની ખૂબ જ અછત છે. બીજી તરફ ગુજરાત ડેવલપમેન્ટલ હબ બની રહ્યું છે. દેશ-વિદેશ સાથે વ્યાપારી નાતો વધી રહ્યો છે. અનેક કોર્પોરેટ સેકટર અને એન.જી.ઓ.માં પણ અંગ્રેજી ભાષાના જાણકારોની મોટી માગ ઊભી થતી થાય છે. આજે બેંકોમાં પણ હિંદી ઓફિસરની જગ્યા હોય છે તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં હિંદીના સ્નાતકોને નિમણૂક અપાય છે. મનુષ્યના- સમાજના પ્રત્યેક વ્યવહારો અને પ્રત્યાયન (કોમ્યુનિકેશન)નું માધ્યમ ભાષા છે. ભાષાની નિપૂણતા વ્યક્તિત્વને અલગ ઓપ આપે છે. ક્રીએટિવ રાઇટિંગની કલા પત્રકારત્વ સહિતના ઘણા ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવામાં ઉપયોગી બને છે.

એમ.એસ.ડબલ્યુ., એમ.એલ.ડબલ્યુ, એમ.એચ.આર.ડી: સામાજિક ક્ષેત્રોનો વિકાસ, સમાજ સેવાની પરિભાષા અને દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન હાલના સમયમાં આવ્યું છે. સામાજિક ક્ષેત્ર પહેલા એક મિશનરી સેવાક્ષેત્ર ગણાતું. હવે નવા અભિગમ સાથે વ્યાવસાયિક કર્મશીલોની ક્ષમતા-કુશળતાને તેમાં આવકારવામાં આવે છે. એને ઊંચું વળતર ચૂકવાય છે. સામાજિક રચનાત્મક ક્ષેત્રોમાં સસ્ટેનેલેબલ ડેવલપમેન્ટનો અભિગમ વિકસતા હવે તેમાં કારકિર્દીની તકો ખૂબ વિસ્તરી છે. સરકાર અને અન્ય દેશ-વિદેશની એજન્સી તરફથી મોટું ફંડ વિવિધ સંગઠનો અને એન.જી.ઓ.ને મળે છે. તેથી આ ક્ષેત્રના અભ્યાસુ- કર્મનિષ્ઠોને સારું વળતર મળે છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થામાં ચાલતા એમ.એસ.ડબલ્યુ., એમ.એલ.ડબલ્યુ., એમ.એચ.આર.ડી. (માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ)ના અભ્યાસક્રમો સામાજિક ક્ષેત્રોમાં કારકિર્દીની તકો ઉપલબ્ધ બનાવે છે.

જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન / ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન: કોમ્યુનિકેશન એન્ડ માસ કોમ્યુનિકેશન એ વર્તમાન યુગના સૌથી વધુ પોન્શિયલ ધરાવતાં ક્ષેત્રો પૈકીનું છે. વર્તમાન સમયમાં પત્રકાર અને પત્રકારત્વની આવશ્યકતા અને સ્થાન વિશિષ્ટ બન્યા છે અને આવનારા સમયમાં તેની માંગ વધતી જવાની છે. માધ્યમો-મીડિયાનો વિકાસ અને વિસ્તાર વધતો જાય છે ત્યારે કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની માંગ-પ્રતિષ્ઠા અને વળતર વધતા જાય છે. પરંપરાગત પ્રિન્ટ મીડિયા (દૈનિક પત્રો, સામયિકો, કટાર લેખન, સ્પેશિયલ ફીચર્સ ઉપરાંત હવે ઇલેકટ્રોનિક મીડિયા, ટી.વી., ઓનલાઇન મીડિયા. ઊંચા દામ અને નામ આપતા એડવરર્ટાઈઝિંગ અને પબ્લિક રિલેશનનું ક્ષેત્ર ફિલ્મ એન્ડ ડોક્યુમેન્ટરી મેકિંગ વગેરે સતત વિકસતાં ક્ષેત્રો છે. માસ્ટર ઓફ ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનનો ગુજરાત યુનિવર્સિટીનો કોર્સ તથા માયકા (MICA) જેવી સંસ્થાઓના અભ્યાસક્રમો કરકિર્દીના આકર્ષક ક્ષેત્રો બન્યાં છે.

સમાજને-સમાજના પ્રવાહોને સમજવા તથા લોકોને તેનાથી તથા તથ્યોથી અવગત કરાવવા તેવી બેવડી ભૂમિકા નિભાવતાં પત્રકારત્વના ક્ષેત્ર માટે સમાજવિજ્ઞાન અને ભાષાનો અભ્યાસ ધરાવતો વિનયનનો વિદ્યાર્થી વધુ યોગ્ય બને તેવી સંભાવના છે.

એકેડેમિક (બી.એડ., બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન): બાળકો-યુવાઓના શિક્ષણ અને ઘડતરનું કામ કરતા શિક્ષકની ભૂમિકા સમાજના ઘડવૈયા જેવી મહત્વપૂર્ણ છે. શિક્ષિત થવા કરતાં શિક્ષણ આપવું- એ વધુ પડકારરૂપ બાબત છે. શિખવવું એ સૌથી ઉત્કૃષ્ટ કલા છે. શિક્ષકનો વ્યવસાય સૌથી વધુ જીવંતતાનો અનુભવ કરાવતો, સ્વયંના વિકાસની એકધારી તક પૂરી પાડતો, પોતાના વિષયમાં સંશોધન (રિસર્ચ) માટે સહયોગી વાતાવરણ પૂરું પાડતો ઉમદા વ્યવસાય છે. બી.એ., બી.એડ., એમ.એડ, એમ.ફીલ, પીએચ.ડી. સુધીના અભ્યાસ માટે અવકાશ રહે છે તથા ધોરણ-૧૨ પછી એલિમેન્ટરી એજયુકેશનની ડિગ્રી તથા ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સ પણ ઉપલબ્ધ છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારા જિલ્લાના એડિશનલ કલેકટર જે પગાર મેળવે છે તેટલો જ પગાર કોલેજમાં પ્રાધ્યાપક પણ મેળવે છે. સરકાર અને સમાજ શિક્ષણને પ્રતિષ્ઠા આપતા હોવાથી તમારી ક્ષમતા સિદ્ધ કરી શકો તો આ એક હાઇલી પેઇડ વ્યવસાય પણ છે.

સાઇકોલોજી:
મનુષ્યનું મન અને તેની કાર્યપ્રણાલી સૌથી વિશિષ્ટ, કોમ્પિલિકેટેડ (સંકુલ) અને તે ઉપરાંત અનેક સંભાવનામાંથી ભરેલી છે. માનવીના આજ સુધીના વિકાસમાં તેનું અદભુત યોગદાન છે. તેનામાં જેટલી શક્તિ છે તેટલી જ સમસ્યાઓ પણ છે. તેના અભ્યાસને મનોવિજ્ઞાન તરીકે ઓળખીને ભારતમાં તેને સમાજવિજ્ઞાનનો ભાગ ગણ્યો છે. મનુષ્યના મનને સમજીને તેની સાથે કામ લેવું તે સૌથી ઉત્કૃષ્ટ કલા છે. તેનો અભ્યાસ સૌથી વધુ રસપ્રદ થઇ શકે અને સારી કારકિર્દીનું માધ્યમ પણ બની શકે. હવે વર્તમાન માનવજીવનની વાસ્તવિકતા જોઇએ તો તે છે, ભાગદોડભરી તનાવભરી જીવનશૈલી, વ્યવસાયના તથા આર્થિક સંતુલનનું ભારણ, સમયની તંગી, કૌટુંબિક- સામાજિક પ્રશ્નો, સંબંધોની સંકુલતા, સ્પર્ધાત્મક વાતાવરણ, અપુરતી ઊંઘ આ બધાંના પરિણામે સાઇકોસોમેટીક ડિસીસ અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો ભોગ બનનારાની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રમાં મનુષ્ય કેન્દ્રસ્થાને રહેલો હોવાથી સાઇકોલોજીનું મહત્વ સ્વીકરાતું અને વધતું જાય છે. બહુ નજીકના ભવિષ્યમાં કારકિર્દીની વિશાળ તકો આ ક્ષેત્રોમાં ખૂલી રહી છે તથા વિદ્યાર્થીના વ્યક્તિગત જીવનમાં પણ તે સૌથી વધુ ઉપયોગી છે.

સાઇકોલોજી વિષય સાથે તથા સ્પેશિયલાઇઝેશન (ઓનર્સ) સાથે બી.એ. અને ત્યાર પછી માસ્ટર્સ થઇ શકે. બી.એ. પછી જેની માગ ભવિષ્યમાં ઘણી વધી શકે તેવા અનેક વિકલ્પો- અભ્યાસ અને કારકિર્દી માટે ઉપલબ્ધ છે. જેમાં ચાઇલ્ડ સાઇકોલોજી, એબનોર્મલ સાઇકોલોજી, ક્રિમિનલ સાઇકોલોજી, ફોરેન્સિક સાઇકોલોજી, કલિનિક્સ એન્ડ કાઉન્સેલિંગ સાયકોલોજી, હેલ્થ સાઇકોલોજી, સ્પોર્ટ્સ સાયકોલોજી, ઇન્સ્ટિટયૂશન એન્ડ ઓર્ગેનિઝેશન સાઇકોલોજી , કોમ્યુનિટી સાઇકોલોજી તે ઉપરાંત બીહેવીયર સાઇકોલોજી મુખ્ય છે. બેંગલોરની આઇ.આઇ.પી.આર. (ઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ સાઇકોલોજી એન્ડ રિસર્ચ) ભારતની અગ્રણી અને નામાંકિત સંસ્થા ઉચ્ચ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ / હોટલ મેનેજમેન્ટ:

આ બંને જોબ ઓરિએન્ટેડ કોર્સિસ છે. ગુજરાતમાં છેલ્લા થોડા વરસોમાં ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટો થયો છે અને તેને વધુ વિકસાવવાના પ્રયાસો સરકાર કરી રહી છે તેને લીધે આ બંને અભ્યાસક્રમોથી તકો વધુ ઉજજવળ બની છે. નાની-મોટી-મધ્યમ હોટલો તથા હાઇ રેટેડ હોટલોની સંખ્યા પણ વધતી જાય છે. સરકારના પ્રયાસો ઉપરાંત જનમાનસમાં પ્રવાસનું વધતું આકર્ષણ, દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની વધતી સંખ્યા વગેરેને લીધે આ ક્ષેત્રે આર્થિક કારોબારનો ગ્રાફ પણ ઝડપભેર ઊંચો જઇ રહ્યો છે.

વિદ્યાર્થીએ કારકિર્દીની પસંદગીમાં દેખાદેખી, અનુકરણ, પ્રતિષ્ઠાના મોટા ખ્યાલો, અન્યના અભિપ્રાયો જેવી બાબતોથી સાવધાન રહીને પોતાની ક્ષમતા અને રુચિને, પોતાને આનંદ-સંતોષ આપતા વિષય અંગેની સમજણને ધ્યાને લેવી જરૂરી છે. અંદરથી જ ગમતા અને આંતરમન સાથે સુસંગત લાગતા વિષયમાં આગળ વધવા આંતરઊર્જા આપોઆપ સહયોગ આપે છે અને તેમાં નિપૂણતા મેળવવાની સંભાવના વધે છે જેના થકી સારી કારકિર્દીનો પાયો બંધાય છે. ટકા ઓછા હોય કે વધારે જીવનમાં કશુંક અલગ કરવાની તમન્ના નવી દિશા ખોલી શકે છે. જેને માટે વિનયન વિદ્યાશાખામાં ઘણી મોકળાશ અને તકો રહે છે. મલ્ટીપલ સ્પેશિયલાઇઝેશન અને ક્રોસ સેક્સન સ્ટડીઝના વર્તમાન અભિગમ પ્રમાણે પણ વધુ તકો વિનયનમાં છે.

કોઇ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પ્રકૃતિના સૌંદર્યને, ઐશ્વર્યને અને રહસ્યને જે રીતે જાણે-માણે છે અને પોતાના કામને અને જીવનને રસપ્રદ બનાવે છે તેનો બધાને અંદાજ આવી શકતો નથી. કામના બોજ હેઠળ તનાવમાં જીવતા કોઇ ઇજનેર કે માર્કેટિંગ મેનેજર કરતા તે જીવનને વધુ સહજ, સુંદર, પ્રતીતિકર અને આંતરિક રીતે વધુ સમૃદ્ધ બનાવી શકે છે. કારકિર્દીનો રાહ પસંદ કરી રહેલા વિદ્યાર્થીઓને સફળ અને સાર્થક જીવન માટે શુભેચ્છાઓ.

Post a Comment

વધુ નવું વધુ જૂનું